તો મળીએ ભાઈ સાંજે, ગલ્લા પર !
તો મળીએ ભાઈ સાંજે, ગલ્લા પર !
‘ગલ્લો’ શબ્દ સાંભળીને મગજમાં તમાકું, ગુટખા, પાન-માવા એવો વિચાર આવવો એ સ્વાભાવિક છે. લોકો પાનની પિચકારીઓ મારતાં હોય અને સિગારેટ ફૂંકતા હોય એવા દ્રશ્યો મનમાં ઉપસી આવે. પણ અહીંયા હું આ પ્રકારનાં ગલ્લાંની વાત નહિ પરંતુ ચા-કોફીની મજા આપનારાં ગલ્લાંની વાત કરું છું. હા ! એ વાત જુદી છે કે એની બાજુમાં જ આ પાન-માવા-ગુટખાની લારી છે, પણ મારે એની સાથે કંઈ ખાસ લેવાદેવા નથી. મારા માટે તો ગલ્લો એટલે ચા અને ત્યાંનું વાતાવરણ.
લોકોને લોકોનું, ખાવાપીવાનું, મશીનોનું એમ અલગ અલગ ચીજ-વસ્તુઓનું એટેચમેન્ટ (અર્થાત લાગણી કે પ્રેમ) હોય છે. મને એવી જ રીતે અમારી કોલેજની બહારની દીવાલને અડીને ગોઠવાયેલાં ગલ્લાં માટે ભારે લાગણી છે હો ! દિવસમાં એક વાર તો ગલ્લે જવું જ પડે. જરાયે ચાલે નહિ. ગલ્લે ના જાઉં એ દિવસે કોઈએ મોઢામાં ડૂચો નાખીને બેસાડી દીધા હોય એ પ્રકારનો મૂડ હોય છે.(ટૂંકમાં મજા જ ના આવે !!) આખો દિવસ કોલેજમાં બેસીને, માંડ-માંડ ધ્યાન આપીને (હા ! સાચેમાં ધ્યાન આપીને ;આમ સવાલ ના કરશો કે સાચેમાં ધ્યાન આપે છે કે નહિ?! ) છેલ્લે થાકેલો હોઉં અને ખબર જ હોય કે હોસ્ટેલ જઈને તો મેસનું ‘સ્વાદિષ્ટ ‘ ભોજન સહન કરવાનું છે; ત્યારે આ ગલ્લે જવાનો એકમાત્ર વિચાર જાણે તન અને મન એમ બંનેને સાચવી લે છે. ગલ્લે જાઉં અને મસ્ત કટિંગ ચા પીઉં એટલામાં તો વણઉકેલ્યા પ્રશ્નોનાં જવાબ મળી જાય, ચડેલો થાક છલાંગ મારીને ઉતરી જાય અને કંઈ કેટલુંયે આ એક ચાની ચુસ્કીમાં થઇ જાય.
રોજ ગલ્લે જવું અને ચા પીવી એ મારી ટેવ નથી પણ નિત્યક્રમ છે. ઘણાં લોકોનો મંતવ્ય એવો પણ છે કે,” રોજેરોજ ગલ્લે જવું અને ચા પીધા વિનાં ના રહી શકવું એ તારી ખરાબ ટેવ છે. આવી ખોટી ટેવ રાખવી જ શું કામ? થોડાં સમય બાદ તો તું સિગારેટ ફૂંકતો થઇ જઈશ અને ગુટખા-પાન-માવા પણ ખાવા લાગીશ !! ” પણ મને મારા મનોબળ અને માનસિક સંતુલન પરથી ખબર છે કે હું આ બધામાં પડું એવો નથી. કેટલાંયે ઓળખીતાં લોકો ગલ્લે આવીને ફૂંકે છે અને ઓફર પણ કરે છે પરંતુ મન પર કાબૂ છે તો ખોટી ટેવો ઘર નહિ જ કરી શકે. અરે ભાઈ ! હું તો સીધો સીધો જઈને ખાલી એક કટિંગ ચાનું જ કહું બસ! બહું બહું તો પાંચ રૂપિયાનું પારલે-જીનું બિસ્કિટનું પડીકું લઈને એને ચા સાથે માણી લઉં અને મારી આજુબાજુનાં કુતરાઓને પણ એ બહાને દોસ્ત બનાવી લઉં. તેમ છતાં એકાદ વાર આ ચા પીવા ગલ્લે જવાની આદતને ખરાબ કહેનાર લોકોને ગલ્લે લાવવાં તો રહ્યા જ !
દરેક માણસને પોતાનું મનપસંદ એવું કોઈ સ્થળ હોઈ શકે કે જ્યાં એ મનમાં શાંતિ અનુભવી શકે, છૂટથી વિચારો કરી શકે, મનફાવે એટલા દરિયાઓ મનમાં પાર કરી નાંખે અને આ બધું જ વગર ચિંતાએ ! આ સ્થળ ઘર,મંદિર,નદીકિનારો,દરિયાકાંઠો કે બીજું કંઈ પણ હોઈ શકે. મારાં માટે ગલ્લો આવું જ એક સ્થળ છે. સાંજનાં સાડા છ – સાત વાગ્યે આછાં અજવાળામાં, ફૂટપાથના થાંભલા પરની પીળી ( કે કેસરી ? ) બત્તીના પ્રકાશમાં ફૂટપાથ પર જ બેસીને ગરમ ચા પીવી અને મનનાં દ્વાર પર વિચારોનાં રણકાટ સંભળાય એ હૃદયને ગમે છે…તો બસ ગમે છે. અને તેથી જ ગલ્લો એ મારી આદત હોઈ શકે. (ખરાબ તો નહિ જ !) મોટેભાગે હું એકલો જ ચા પીવા જાઉં અને ક્યારેક 2-3 ખાસ મિત્રો પણ આવે. મિત્રો સાથે એ ફુટપાથ પર બેઠાં બેઠાં, ચાની ચુસ્કી પીતાં પીતાં ભવિષ્યનાં કંઈ કેટલાંયે ધંધા-રોજગારની વાતો જન્મી જાય. એવું તો આ કલાસરૂમ કે અન્ય બીજે સ્થળે બહું ઓછું થાય છે.
કેટલાંક સુરતીઓ પોતાની બીએમડબ્લ્યુ, ઓડી વગેરેમાં બેસીને આવે અને ગલ્લાં પાસે ગાડી પાર્ક કરીને એ જ પાંચ રૂપિયાવાળી કટિંગ ચાનો આનંદ માણે ત્યારે ખરાં સુરતીઓને ઓળખું છું. ફુગ્ગા વેચનારી છોકરીના ફુગ્ગા જ્યારે વેચાતાં ના હોય અને એ ગલ્લાં પાસે આવે ત્યારે ગલ્લાવાળા ભાઈ જયારે એને મફતમાં એક ચા પીવડાવે ત્યારે એ નાની છોકરીનાં હાસ્ય સામે બે ઘડી તો પોતાની બધી મુશ્કેલીઓ ભૂલી જાઉં છું. બે જુવાન હૈયાંઓ ગલ્લે આવે અને ચાનો કપ લઈને ફૂટપાથ પર દૂર જઈને બેસે ત્યારે એમનો પ્રણય પણ આ ચાનાં એક કપ પર જ બંધાય છે. કોલેજમાંથી પ્લેસમેન્ટમાં નોકરી મળી ગયાંની ખુશી હોય કે પછી કે.ટી. આવ્યાનું દુઃખ, આ ગલ્લો બધામાં જ સાક્ષી તરીકે હાજર હોય છે. આગળ હોંશેહોંશે જે બે લેખ લખી નાખ્યાં અને વચ્ચે બે મહિના ઠંડો પડી ગયો એ બાદ મારા લેખને પુનઃ શરુ કરવાનો વિચાર પણ આ ગલ્લાં પર જઈને જ આવ્યો છે. અને હવે જ્યારે એવું ભાન થાય છે કે,” બેટા, કોલેજનું છેલ્લું વર્ષ છે. ત્યાર બાદ નથી આ કોલેજ ,ને નથી આ ગલ્લો.” ત્યારે ભારે માત્રામાં દુઃખ થઇ આવે છે.
તો આવો તમે પણ ક્યારેક અને માણો અમારી કોલેજની (એસ.વી.એન.આઈ.ટી. કોલેજ ) બાર આવેલા ગલ્લાંની ચાને ! (જે ચા ના પીતા હોય એમના માટે કોફી પણ મળે છે.)
આ સાથે જ મારો સમય થઇ ગયો છે.
ગલ્લે જવાનો !
Comments
Post a Comment