રોજ ઉઠી આ એક વિચાર…
આપણે બધાં એવી મોટી મોટી ફાટેલી નોટ છીએ કે કોઈ આપણાં પ્રત્યે જરાં અવળું બોલે તો સ્વાભિમાનને તરત આકરું લાગી આવે છે. એવામાં આ સ્વાભિમાનને ક્યારે પોસવો જોઈએ અને ક્યારે નહીં એનું ભાન ઘણા ઓછાં અને સમજું એવા લોકોને છે.
ઘણીવાર તો નહિવત જેવાં બનાવને ૧-૧ ક્ષણે મગજમાં રાખીને આપણે આપણાં સંબંધોમાં એવી તે મોટી તિરાડોનું સર્જન કરીએ છીએ કે જેનાથી એમનું પડી ભાંગવું નક્કી હોય છે. એવામાં નમતું મૂકતાં આવડે તો જ દોરી સચવાઈ શકે.
અહિયાં ૨ મિત્રો વચ્ચેની મિત્રતામાં પડેલી તિરાડને ઉદાહરણ તરીકે લઈને થોડી પંક્તિઓ લખી છે. જો અમલ કરી શકાય એવી લાગે તો જરૂરથી કરજો. કદાચ તમારા કોઈ સંબંધની તૂટવાં જઈ રહેલી દોરી ફરી એકવાર મજબૂત બની જાય.
“રોજ ઉઠી આ એક વિચાર,
કે વાત હું આજે કરી જોઉં ?
વીતી ગયેલી વાત ભુલાવી
માફ હું આજે કરી જોઉં…
મુદ્દો ક્યાં હતો એ મોટો
જે આવી દલીલો કરીને બેઠો
મારા ઉછળતાં સ્વાભિમાનને
બાજુમાં થોડો મૂકી જોઉં ?
રોજ ઉઠી આ એક વિચાર
કે વાત હું આજે કરી જોઉં…
કળયુગના આ હાંહાંકારે
લોકો પણ છે માથાંભારે
જો નાનકડી જીદ આ હારું
જૂનો સાથી પામી લઉં
રોજ ઉઠી આ એક વિચાર
કે વાત હું આજે કરી જોઉં…
પ્રાણવાયું સમાન એ સેતુ
મિત્રતાનાં સાગર તર્યો
તૂટી ગયેલાં એ સેતુને
પાછો આજે જોડી જોઉં ?
રોજ ઉઠી આ એક વિચાર
કે વાત હું આજે કરી જોઉં ?
વીતી ગયેલી વાત ભુલાવી
માફ હું આજે કરી જોઉં…“
Comments
Post a Comment