અક્ષરશઃ સુસાઈડ નોટ:સુરતમાં બિલ્ડરે જમીનના રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી યુવકે આપઘાત કર્યો
અક્ષરશઃ સુસાઈડ નોટ:સુરતમાં બિલ્ડરે જમીનના રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી યુવકે આપઘાત કર્યો
- વ્યાજવાળા મારું ઘર પણ લઈ લેવા માગે છે, મારા ફોનમાં કોલ રેકોર્ડિંગ છેઃ આપઘાત કરનારની સુસાઈડ નોટ
શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં 42 વર્ષીય યુવકે ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. તપાસ કરતા પોલીસને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં બિલ્ડરે રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.
ઘટના શું હતી?
શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં 42 વર્ષીય કિરીટ ધીરજ પટેલ પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ કિરીટે પોતાના ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. પત્નીએ ઘરે આવીને જોયું તો કિરીટ લટકી રહ્યો હતો. તેણે પાડોશીઓને જાણ કરતા તેઓ આવી ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામુ કરીને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસને પરિવારજનોએ જણાવ્યું હતું કે, કિરીટે બે પાનાની સુસાઈડ નોટ લખી છે.
લોકડાઉનમાં ધન્વતંરી રથમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા
કિરીટભાઈ સ્કૂલવાન ચલાવતા હતા પણ લોકડાઉનમાં ધન્વતંરી રથમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા પણ નાણાકીય આયોજનમાં કાચા પડી ગયા હતા. કિરીટ પટેલે મગનભાઈ દેસાઈ(દેસાઈ એન્ડ લાખાણી ડેવલોપર્સના સંચાલક) નામના વ્યક્તિ સાથેના વેડ રોડની જમીન મામલે પૈસા લેવાના નીકળતા હતા. જે ફસાઈ જતાં પોતે વ્યાજે લીધેલા પૈસા ન ચૂકવી શકવાની સ્થિતિમાં આપઘાત કરી લીધો હતો. સ્કૂલવાન ડ્રાઇવરને જેમને આપવાના બાકી હતા એમનું દબાણ આવતાં કિરીટે આપઘાત કરી લીધો હતો.
અક્ષરશઃ સુસાઈડ નોટ
આપઘાત કરનાર કિરીટે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, પોલીસ માનનીય સાહેબ, હું કિરીટ ધીરજભાઈ પટેલ. મારું દેવું વધી ગયું છે. જેથી હું આપઘાત કરું છું. મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. આવી મંદીમાં હું ક્યાંથી પૈસૈ લાવવા મારે. મગન દેસાઈ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલે છે. ગુરૂકુળ ચોકીમાં પણ મેં બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારું ઘર પણ લઈ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડિંગ છે તે તેમ સાંભળજો. વ્યાજવાળાના નામ પણ આવી જશે. મારા ઘરવાળાને કોઈ હેરાન ન કરે તે જજો. બહું લખવાનું છે પણ મારી પાસે ટાઈમ નથી. તમે ઈન્કવાયરી કરી લેજો, મને તમારી પર પૂરો ભરોસો છે. જ્યારે અન્ય એક પાના પર લખ્યું છે કે, મગનભાઈ દેસાઈ મારે લેવાના પૈસા આપી દેતે તો મારું દેવુ ન થતે. મગનભાઈએ મારી સાથે બેવાર ગદ્દારી કરી અટલે હું દેવામાં ડૂબી ગયો. મારા પરિવારને કોઈ હેરાન ન કરતે જોજો. મહેરબાની તમારી. લી. કિરીટ ડી. પટેલ
અંતિમયાત્રામાં પરિવારનું હૈયાફાટ રૂદન
ગત રોજ યુવકે આપઘાત કર્યા બાદ આજે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ ઘરે આવ્યો હતો. ત્યારબાદ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે તેના પત્ની અને બે સંતાનોના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો.
Comments
Post a Comment