‘સ્ટોપ કોવિડ’ ટેસ્ટ, હવે ઘરે જાતે જ કરી શકાશે કોરોનાની તપાસ
‘સ્ટોપ કોવિડ’ ટેસ્ટ, હવે ઘરે જાતે જ કરી શકાશે કોરોનાની તપાસ
અમેરીકાની એમઆઇટીએ વિકસિત કરી નવી રેપિડ ટેસ્ટની પધ્ધતિ, માત્ર એક કલાકમાં જાણી શકાશે પરિણામ
નવી દિલ્હી તા. 19
વિશ્વભરના વૈજ્ઞાનિકો હાલ કોરોનાની અસરકારક વેકિસનની શોધ કરવામાં વ્યસ્ત બન્યા છે. જયાં સુધી કોઇ વેકિસન ન મળે ત્યાં સુધી સંક્રમણ અટકાવવા માટે મહતમ ટેસ્ટિંગ જ એકમાત્ર વિકલ્પ છે. જેને ધ્યાને લઇને શોધકર્તાઓએ એક નવો રેપિડ ટેસ્ટ વિકસિત કર્યો છે. આ ટેસ્ટની મદદથી એકાદ કલાકની અંદર જ પરિણામ જાણી શકાય છે.
અમેરીકાની ઇન્સ્ટિીટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) નાં શોધકર્તાઓનું કહેવું છે કે ‘સ્ટોપ કોવિડ’ નામના આ ટેસ્ટની કિંમત ઘણી વ્યાજબી હશે. જેનાથી લોકો જાતે જ ઘર બેઠા કોરોનાની તપાસ કરી શકશે. ‘ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીન’માં પ્રકાશિત અભ્યાસ અનુસાર આ નવો ટેસ્ટ 93 ટકા પોઝીટીવ કેસોની ઓળખ કરવામાં અસરકારક સાબિત થયો છે.
આ ટેસ્ટ 402 દર્દીઓના સ્વેબના નમુના પર અજમાવવામાં આવ્યો હતો. શોધકર્તા હાલમાં લાળના નમુના સાથે ‘સ્ટોપ કોવિડ’ ટેસ્ટને તપાસી રહયા છે. આ પધ્ધતિથી ઘરે જ તપાસ કરવી સરળ બનશે. શોધકર્તાઓનું કહેવું છે કે ‘આ પરિસ્થિતિમાં રેપિડ ટેસ્ટની જરૂર છે. જેનાથી લોકો જાતે જ દરરોજ કોરોનાની તપાસ કરી શકશે. પરિણામે આ મહામારી પર અંકુશ લાદવામાં સફળતા મળશે.’
વૈજ્ઞાનિકોએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે કિલનીક, ફાર્મસી, નર્સિંગ હોમ અને શાળામાં ઉપયોગમાં લઇ શકાય તે રીતે ટેસ્ટનો વિકાસ કરવામાં આવી શકે છે. એમઆઇટીના શોધકર્તા જુલિયા જોંગે જણાવ્યું કે ‘અમે સ્ટોપ કોવિડ ટેસ્ટ વિકસિત કર્યો છે. આ ટેસ્ટ લેબ વ્યવસ્થા વગર સામાન્ય લોકો પણ ઉપયોગમાં લઇ શકશે.’
આ તપાસ પધ્ધતિ 93 ટકા સંક્રમિત કેસોની પરખ કરી શકે છે. પરંપરાગત તપાસ પધ્ધતિમાં પણ શુધ્ધતાનો આ જ દર છે. આ નવી પધ્ધતિ દ્વારા દર્દીના નમુનામાં વાયરસની જીનેટીક સામગ્રી સાથે મેગ્નેટીક બીડસ દ્વારા સંક્રમણની તપાસ કરી શકાશે.
Comments
Post a Comment