આવુંય તે ક્યારેક કરી જોયું છે ખરું? અમસ્તા જ !
આવુંય તે ક્યારેક કરી જોયું છે ખરું? અમસ્તા જ !
આમ જોવા જઇયે તો પુખ્ત ઉંમરમાં પ્રવેશવું એ બધા માટે ઘણો જ નવો અનુભવ હોય છે. છતાં મારાં સાડા વીસ વર્ષ થવાં એટલે માનસિક રીતે સંપૂર્ણપણે પુખ્ત તો નહિ પરંતુ આ દુનિયા કેવી રીતે ચાલે એનો આછો પાતળો પરિચય થવા લાગ્યો છે. કદાચ એનું મોટામાં મોટું કારણ તો ઉનાળાનો મદ્રાસનો અનુભવ છે, જે તમે જાણ્યું હશે મારા ગયા લેખમાં. ત્યાંથી આવ્યા બાદ ગુજરાતીને જીવી લેવાના જુવાળને શાંત કરવા 3-4 પુસ્તકો પણ વાંચી નાંખ્યા અને 3-4 બીજા લઇ આવ્યો છું. વસ્તુઓનો,લોકોનો,પરિસ્થિતિઓનો પરિચય તો સારો એવો થવા લાગ્યો છે ! ને કદાચ એટલે જ આટલું બધું લખવા માટે વિચારો મળી રહે છે.
આજના સમયમાં આપણે એટલું તો કહી જ શકીયે કે વધતી જતી ટેક્નોલોજીના કારણે દુનિયા વધુ ને વધુ નજીક આવતી જાય છે. સોશ્યલ મીડિયાના છાનગપતીયામાં પરોવાઈ ગયેલી આજની યુવાપેઢીને ( એમાં હું પણ ! ) ટેક્નોલોજીએ એવા તે બાંધી રાખ્યા છે કે શું કહેવું ! પણ મને ઘણીવાર આ પરિસ્થિતિ મૃગજળના કાવતરાં જેવી લાગવા લાગે છે. નકામાં ગુડ મોર્નિંગ/ગુડ નાઈટનો નકામો દેખાવો કરવો ( એમાંય ઘણા તો ખાલી GM / GN વાળા જ ! ). ને પાછા એ ફોટોસ અને પોસ્ટ્સને લાઈક કરવાના અને કોમેન્ટ તો ખરી જ ! ઘણા લોકો એમ પણ કહેશે કે આ ડોબો તો હજુ એના ટ્વેન્ટીસમાં આવ્યો છે, જુવાનીનો સ્વાદ ચાખવાનું જેણે ચાલુ સુદ્ધા નથી કર્યું; તે આમ દુનિયાને લગતી ટિપ્પણીઓ તે કેવી રીતે કરી શકે. પરંતુ મારા નજરીયાથી મોટે ભાગે આવી બરછટ ટિપ્પણીઓ સાચી ઠરતી જોઈ છે.
સોશ્યલ મીડિયાને મારો ગોળી.કામ હોય ત્યારે તો આપણે જેને તેને યાદ કરી જ લેતા હોઈએ છીએ. પણ તાજેતાજાં ઉદાહરણ લેવા જઇયે તો આપણામાંથી એવાં કેટલા લોકો હશે કે જેમણે વગર કારણે જ એમના લંગોટિયાં બાળમિત્રો, કોલેજના સહાધ્યાયી કે અન્ય કોઈ જે ખાસ હોય એવાં વ્યક્તિઓને સાચેમાં યાદ કર્યા હોય. વગર કારણે જ ! અમસ્તા જ ! કે ચાલો આજે આ મારો ફલાણો મિત્ર છે જેની સાથે નિશાળમાં છેલ્લે બેસીને હું ચણા ખાતો, કે જેની સાથે બધા સાહેબોની મશ્કરી કરતો એને ફોન કરી જોઉં. એ શું કરે છે આજકાલ એની માહિતી મેળવું. અથવા તો અમસ્તા જ; એનો અવાજ નથી સાંભળ્યો બહુ સમયથી, તો ફોન કરી લઉં. એને પેલી પ્રિયલ ગમતી હતી એનો કિસ્સો યાદ કરાવું કે એને સાંભરે છે કે નહિ ! આવું પણ ક્યારેક કરી શકાય. અમસ્તા જ !
કદાચ ઘણા વાચકમિત્રોના મત અનુસાર તેઓ કહેશે, “ભાઈ મારા ! તું તો હજીય કોલેજમાં જ ભણી રહ્યો છે. ગેમો રમવા સિવાય કે છોકરીયું તાડવા સિવાય તારે બીજું કામ પણ શું? અમારે અહીંયા પાંચસો જાતના કામો પડ્યા છે અને સમય મળે તો મિત્રો સાથે મુલાકાત તો થઇ જ જતી હોય છે.” એમની આ દલીલ સાચી ઠરી કહેવાય. મને મારા સમય પ્રમાણે ઢગલો ફ્રી ટાઈમ મળે છે. પરંતુ હું માનું છું એ પ્રમાણે કામે લાગ્યા પછી પણ લોકો ને નજીક રાખી શકીશ એવી પૂરી ખાતરી છે. એક ક્ષણ માટે વિચારોને વિસ્ફારિત કરી જુઓ તો આ કઈ મોટી વાત નથી. તમને તમારો મિત્ર ફોન કરીને કહે ,”કે દોસ્ત અમસ્તા જ ફોન કર્યો આ તો!”; “બકા બહુ ટાઈમથી તારો અવાજ નહિ સાંભળેલો તે આજે થયું લાવને ફોન કરું એ ગધેડાને.” એ જે ખુશીનો અનુભવ તમને થશે એ વિચાર્યું છે? પછી તો કંઈ કેટલીયે વાતોનો ખજાનો ખોલીને બેઠા હશો અને ચહેરા પાર સોહામણું સ્મિત આવી રહ્યું હશે.
માત્ર કામમાં ને કામમાં આવી નાની નાની ખુશીઓનો તો આપણે ક્યારેય વિચાર કરતા જ નથી. જો મોટા ભાગના લોકો આવી રીતે ખુશીઓ વહેંચતા રહે તો બધાના જીવનમાં એની સોડમનું માધુર્ય ફેલાતાં વાર નહિ લાગે. તો ચાલો ને તઈં આજે…
પત્ર લખીયે કોઈને, અમસ્તા જ !
કરીયે કોઈને એક ફોન કોલ, અમસ્તા જ !
કરીયે યાદ કોઈને, અમસ્તા જ !
Comments
Post a Comment