કોલેજ ઇલેક્શનનાં અવનવા છાનગપતીયા
કોલેજ ઇલેક્શનનાં અવનવા છાનગપતીયા
“ભાઈ દેખ લેના થોડા. અપની તરફસે થોડા સંભાલ લેના.” આજકાલ મારી કોલેજમાં આ વાક્ય જાણે દરેકની ટેગલાઈન જેવી થઇ ગઈ છે. આ બધું તે આવનારી ચૂંટણીના કારણે છે. મગજનાં કબાટને ખોલીને જોવા પ્રયત્ન ના કરતા કે ‘આ ભાઈ વળી કઈ ચૂંટણી ટપકી પડી.’ તમારે કોઈને ક્યાંય વોટ આપવા જવાનું નથી. અને ખુશ પણ ના થશો કે રજા મળી જશે. ( નથી મળવાની !) આ ચૂંટણીટાણું અમારી કોલેજની ચૂંટણીનું છે. (વિધાનસભાની ચૂંટણી જેવી જ અસલ. તો આ લેખ જરા ગંભીરતાથી વાંચવો !)
“ચૂંટણીયું એમ તો ઘણીયે કૉલેજુમાં થાય પણ અમારે ઈ એનએસયુઆઈ કે એબીવીપીવાળા નખરાં નઈ.” મારી જેવા જ એક કાઠીયાવાડીની વાતો સાંભળતાં સાંભળતાં મેં નોટિસ કર્યું. ભાઈ જબરદસ્ત ગેલછાથી કોલેજ અને એની વિશેષતાઓની માહિતી ફોન પર કોઈને આપતો હોય એમ લાગ્યું. એનાં વર્તન અને આજુબાજુનાં સાથીમિત્રો પરથી જાણ થઇ કે છોકરો ફર્સ્ટ યરનો છે. તો જ આવો ભારે ઉત્સાહ હોય ને બકા !! બાકી અમારી જેમ ચોથા વર્ષમાં આવીને ઉત્સાહનો ‘ઉ’ પણ જો દેખાય તો કહેવું!(?) (આ મારા જેવા નવુંનવું લખવાનું ચાલું કરે એટલે મુખ્ય વાત પરથી ભટકતા વાર લાગતી નથી. ખરેખર! એ બદલ માફ કરવા વિનંતી.) અમારી કોલેજની ચૂંટણીની વાતમાં એ તો સાચું જ છે કે અમારે આ રાજકારણીય પાર્ટીઓ જેવું કંઈ છે જ નહિ. એક રીતે જોવા જઈએ તો આ નિયમ સારો જ છે. નહીંતર ઘણા લોકોની કૉલેજનાં જી.એસ.(જનરલ સેક્રેટરી) માટે ઉમેદવારી ભરવાની ઈચ્છા હોય અને એય બાકી રહી જાય તો મજા ના આવે. (કારણકે બધે મજા લેવી જરૂરી છે.) હવે ફર્સ્ટ યરથી કોલેજમાં આવ્યાં અને આવું કંઈ મોટું પરાક્રમ કર્યું જ ના હોય એટલે ઈલેક્શનમાં ઉભા રહી જવું. (એટલે કઈંક તો કાંડ કરશું જ એવું અમુકને મનમાં નક્કી જ હોય છે.) અને ચૂંટણીમાં ઉમેદવારી ભરીએ તો 2-4 અપ્સરાઓને તો આપણું નામ ખબર પડે ને; આવુંય ઘણા વિચારે છે ! એય કંઈ નાનું પરાક્રમ નથી. (અનુભવ માત્ર ઇજનેરીના વિદ્યાર્થીઓ માટે જ લાગુ પડે છે.)
કોલેજની કેન્ટીન તો જાણે “ઠંડા યુદ્ધ” ના પરિસરમાં ફેરવાઈ ગઈ હોય એવું જ લાગે. એવી તો શું ખાનગી ચર્ચા ચાલે આ ઊમેદવારો અને એમના માનીતા કાર્યકર્તાઓની; કે ખૂણામાં જઈને મોઢાં પાર હાથ રાખીને વાત કરવી પડે એમણે. પાકિસ્તાન પર હજી એક સર્જીકલ સ્ટ્રાઇક કરવાનાં મૂડમાં હોય એવી પ્રતીતિ જ થાય. ને કેન્ટીનમાંયે શાંતિ તો નહિ જ. એય ને મસ્ત 2-4 મિત્રો સાથે ચેનચાળા ચાલતા હોય (ઈલેક્શનથી નિસ્બત ના રાખનારાં મિત્રો), સુંદર અપ્સરાઓને મન ભરીને માણતા હોઈએ કે એટલામાં શાંતિ ભંગ થઇ જ જાય. “ભાઈ નિસર્ગ,થોડા દેખ લેના.” આવું કહેવાવાળું કોઈ તો ભટકાઈ જ જાય. ધર્મસંકટ જેવી પરિસ્થિતિઓ પણ ઓછી નથી. મારાં જ વર્ગના બે વિદ્યાર્થીઓ કે જેમની સાથે સારાસારી હોય અને બંને જણા સાથે જ વોટ માંગવા આવે એક જ પોસ્ટ માટે! ( વિચારી શકો છો તમે) મનમાં તો એમ જ હોય કે, ‘ભાઈ બધા જ એકસાથે વોટ માંગવા આવો અને બધાંને એકસાથે જણાવી દઉં કે હું તો સુવાનો ભાઈ ઈલેક્શનના દિવસે. આમ પણ આ વોટ બોટ આપીને કાંઈ ઉકળતું નથી(કોલેજમાં !?)’ અને સાચેમાં કાંઈ જ ઉકળતું નથી. આવી રીતે કેન્ટીનમાં વોટ માંગવા લોકોને સમય આપીએ એટલામાં તો નયનરમ્ય નજારો અદ્રશ્ય થઇ ગયો હોય. એટલે પછી એ વોટ માંગનારી વ્યક્તિ ગયાં જન્મનો શત્રુ છે એવું લાગી આવે!
હજી તો આ મેનીફેસ્ટોની ચર્ચા બાકી છે! ઊમેદવારોએ રજુ કરેલા જે તે મુદ્દાઓ આજ સુધી ક્યારે (સરખી રીતે) પર પડયા છે એ તો રામ જાણે. મુદ્દાની વાત તો એ છે કે કાલ સુધી જે માણસને મેનીફેસ્ટોનો ‘મ’ (કે અંગ્રેજીનો ‘એમ’) પણ ખબર નહોતી એ પણ એવા તે ભારી ભારી વાયદાઓ કરે છે કે શું કહેવું! ચૂંટણી પછી તો એ બધું મોટેભાગે મોટાં મોટાં હવા ભરેલા પોટલા જેવું જ સાબિત થાય છે. માપમાં લખવું એટલે શું એ ના ખબર હોય એટલે આખો મેનીફેસ્ટો ભરી મૂકે. જુનિયર્સ પાસેથી કામ કરાવી લેવાની આશાએ આખો મેનીફેસ્ટો લગ્નની કંકોત્રી કરતા પણ સારો દેખાય એવો તૈયાર થાય. હવે કાલે ઉઠીને મારે રાજકારણમાં જોડાવાની ઈચ્છા થાય (એમ તો મને ભલભલતી ઈચ્છાઓ થાય, મગજ ઠેકાણે હોય જ નહિ) તો આ બધું નવું છે એવી ફીલિંગ ના આવે. કારણકે આ 22 ઓક્ટોબર ,2016 એ થનારી ચૂંટણી માટે મારાં 2-4 નવરા મિત્રો ઊમેદવાર તરીકે પરાક્રમ કરે છે. એટલે ઘણી અંદરની વાતો જાણવા મળે છે. પણ આ મિત્રો રોજ મળે એટલે એમનું આટલું બોલવાનું નક્કી જ હોય કે,”ભાઈ ઈલેક્શન આવી ગયા. બિલકુલ ટાઈમ નથી હવે. ફટાફટ કામ ચાલુ કરી દે.” હવે આમ કામ ચાલુ કરી દે એટલે શું??? આપણે તો ગેમો રમવાની,ખાવા-પીવાનું,સુવાનું અને ગલ્લે જવાનું.(હા! થોડું વાંચવાનું પણ) આમ કામ કરવું એટલે શું? “જે સામે મળે એને હોંશભેર કહી દઉં છું કે અમારા ભાઈ માટે વોટ કરવો. તું બિંદાસ રહેજે.” આટલું કહીને વાત પતાવવાનો પ્રયત્ન હોય મારો. એ પછી તો આપણે અડધી રમત તો મુકાય નહિ એટલે એમાં ફરીથી મન પરોવાય જાય અને એને સોંપેલું “કામ” પણ ભૂલી જવાય એ સ્વાભાવિક છે.
આ તો ચાલોને ઊમેદવારોની વાતો હતી. મતદારોનાં પણ કંઈ ઓછાં નખરાં નથી. “ભાઈ સવારનાં કલાસ માટે ઉઠીને અવાતું તો છે નહિ, તો આ ઈલેક્શન ફિલેક્શનમાં તો ક્યાંથી અવાય બકા ! ” આ કારણને તો જો કે થોડું પણ માન્ય ગણી શકું એમ છું. (કારણકે અઠવાડિયામાં પાંચમાંથી ત્રણ દિવસ હું ખુદ વહેલા નહિ ઉઠી શકવાને લીધે સવારનાં ક્લાસિસમાં નથી ગયો.) બીજું કારણ એવું પણ આપે છે લોકો કે ,” ફિલ્મ જોવા જવી છે અથવા તો ડુમ્મસનાં દરિયે ફરવાં જવું છે.” આવાં પણ કેટલાંક છે જ કે જે આ ચૂંટણીને સાવ લફ્ફુક માનીને વોટ આપવા નથી માંગતા. બાકી છેલ્લે તો મતદારો અને ઊમેદવારો એકબીજાને ભેરવવામાં જ સમય વાપરે છે.(કે વેડફે છે ?) કાલે ચૂંટણી છે અને હમણાં જ્યારે ગાર્ડનમાં બેસીને આ બ્લોગ લખું છું એટલામાં જ સામેથી એક ઊમેદવાર મિત્ર આવી રહ્યો છે. તો “ઘણી અગત્યની” વાટાઘાટ કરવી પડશે એવું લાગી રહ્યું છે.
કોલેજની છેલ્લી ચૂંટણી છે મારાં માટે ;એટલે પૂરતો ભાગ અને મજા લઇ લઉં. આવતા વર્ષથી તો આવી ટીખળો બહુ ઓછી થશે. તો આ સાથે જ આ બ્લોગને પૂર્ણવિરામ આપવાનો સમય થઇ ગયો છે. કારણકે આ ભાઈનું તો “ભાઈ દેખ લેના ” ચાલું થઇ ગયું છે. તો હું પણ એની સાથે જઈને થોડો પ્રચાર પ્રસાર કરી આવું. બાકી અમને ચૂંટણીમાં એવો કંઈ ખાસ રસ બસ છે નહિ. મિત્રોના છાનગપતીયા છે એટલે જ આ બધું !
Comments
Post a Comment