ગરબા કલાસીસનું અવનવું

 

ગરબા કલાસીસનું અવનવું

“એલા એય નિશુડા, આ કુર્તા બુરતાં ક્યારે લેવા જવું છે?” નવરાત્રી આવવાને બે મહિનાની વાર છે અને આ અભલાને હખ નથી ક્યાંય. અભિનું ખાતું નવરાત્રીના બે-ત્રણ મહિના પેલા આવું જ થઇ જાય. તહેવાર ભલે ‘નવ’ રાત્રિનો હોય, ભાઈલાને એ નવ રાત્રીને બદલે નેવું રાત્રી પણ ઓછી પડે. જો કે નવરાત્રી તો મને પણ બહુ પ્રિય છે.
નવરાત્રી આવે અને શહેરના વાતાવરણમાં કેવો સરસ મજાનો પલટો આવી જતો જણાય! શહેરના વિવિધ સ્થળોએ ચણિયાચોળી અને કેડિયું વેચવાવાળાંની ધમધોકાર ઉજાણી, દાંડિયા-રાસ માટેના દાંડિયા વેચવાવાળાં, ગરબાના કલાસવાળાં, આ બધા તો જાણે આખા વર્ષની કમાણી આ નવરાત્રીના તહેવારમાં જ કરી લેતા હોય એવું લાગે હો!

એમાંય અમારું નવસારી તો ખાસ્સું એવું નાનું. નવસારી શહેર, એક છેડેથી બીજે છેડે પણ જવું હોય તો, વધેલા પેટ્રોલનાં ભાવની ચિંતા કાર્ય વિના તમે આંટા ઠોકી શકો એવું નાનું છે. નાનું શહેર છે પરંતુ ખુબ જ મીઠ્ઠું છે મારું નવસારી. હવે આ અભલા જોડે આવી જ રીતે આંટા ઠોકવાનું થયું એના કુર્તા માટે એટલે ના પાડવાની આવે જ નઈ ને. આંટા ઠોકવાના કંઈ કેટલાયે ફાયદાઓ છે. રખડવા મળે, ગલ્લે ચા પીવાનો લ્હાવો મળે, મીઠી મીઠી છોકરીઓ જોવા મળે તો ઠીક છે બાકી એ બહુ મહત્વનું નથી એમ તો! (માર ના ખાવો પડે પાછળ જતાં એટલે સાવચેત રહેવું)

કુર્તાનું વળગણ બાજુમાં રાખીને અમે ગરબાના ક્લાસીસના આંટા ઠોકવા એવું સહસંમત્તિથી નક્કી કર્યું. હવે એવું કેમ નક્કી થયું એ તમને બધાને આછો પાતળો આઈડિયા આવી જ ગયો હશે. મારા પુરુષ મિત્રોને કંઈક વધુ પડતી સારી રીતે આવી ગયો હશે. હવે હું રહ્યો ભોળો અને નિર્દોષ મનનો માનવી. એટલે આપણા પારંપરિક ગરબાને મૂકીને આ લોકો એના કલાસીસ શું કરવાં કરતાં હશે એના વિચારમાં ખોવાઈ ગયો.

આ ટૂંકું વર્ણન હતું ગરબા કલાસીસનું. હવે એના પ્રત્યેનો મારો કટાક્ષ જણાવું થોડો. નવરાત્રી એટલે માતાજી માટેનો પારંપરિક તહેવાર અને એનું પ્રાથમિક આકર્ષણ એટલે ગરબા. અને હા, આજના અમારા કાંઈ કેટલાંય યુવાનોને ગરબાનો ‘ગ’ પણ નથી આવડતો એવા ‘ગગા’ છે. દોઢિયાં એટલે ગરબાનું મરી મસાલાં નાખેલું રૂપ. ચાલો એ પણ થોડાં બહુ ગણકારી શકાય નવરાત્રીમાં. પરંતુ યુરોપનાં સાલસાને ગરબા સાથે જોડીને સાલસા-ગરબા કરવાં ઈ શું વળી? આવું તો કાંઈ કેટલુંયે અવનવું કરે છે લોકો કલાસીસમાં.

મુદ્દો મારો એ છે, કે નવરાત્રીની નવ રાતોને માણવાની જે શુદ્ધ મજા છે એને આવી કૃત્રિમ રીતે માણીને આપણે આપણી પ્રથા કે પછી એને જે કહેવાય એ, એને ફંગોળી તો નથી દેતા ને? ખોટું કાંઈ જણાતું નથી આ ગરબાના કલાસીસમાં પરંતુ કૃત્રિમપણું ઘુસી જતું જણાય છે આપણી પ્રથાઓમાં; એ એક બહુ મોટો વિવાદનો વંટોળ મારા મનમાં ગરબાની જેમ ઘુમરા મારે છે. ક્યારેક તો, ના, ક્યારેક તો નહિ, મોટાભાગે મને એવું પ્રતીત થયા કરે છે કે ગરબા ક્લાસીસ પણ દેખાદેખીની એક રમત છે. એમાંય પાછાં અસ્સલ કોલેજની જેમ “ડેયઝ” ઉજવવાના એ અલગ.

મારો પ્રતિસાદ? તો અમારા અભલાની તો ખાસ બહેનપણી ગરબાના ક્લાસીસ જાય છે એટલે બહુ માથાકૂટ કરવાં ના બેસાય ભાભી જોડે! પણ અભલા જોડે માથાકૂટ કરી શકાય. ભાઈનું કહેવાનું એમ હતું કે અમે બંને પણ જોડાઈએ આ ક્લાસીસમાં અને ગરબા શીખીયે. એમાં મને મારો કોઈ ખાસ લાભ થતો જણાયો નહિ એટલે મારી તો ચોખ્ખી ના હતી. હવે આ બંનેની જોડી સાથે હોય તો મારો વારો આવે? અને આમ પણ જો કાંઈ શીખવું જ હોય તો નવરાત્રી દરમિયાન ઉભા રહી જવાનું દસ-પંદર મિનિટ. લોકો ગરબા-દોઢિયાં કરે એના ચાર-પાંચ રાઉન્ડને જુઓ, બીજા ચાર-પાંચ જાતે કરવાં કરો (ભલે આજુબાજુ વાળા/વાળી ધક્કા મુક્કીમાં ફેંકાય જાય) આવા બીજા દસેક આંટા ઠોક્યાં પછી ના આવડે તો કેજો! હવે આટલું અમથું શીખવા માટે પૈસા વેડફવા એ કાંઈ સમજદારી થોડી કહેવાય બકા.

હા તો! આટલી બધી રામાયણ કર્યા પછી મારું તો એ જ માનવું છે કે ગરબાના ક્લાસીસ માં જવું એના કરતાં પહેલા નોરતે જ શીખી લો. બીજું એ, કે હું ભલે ગમે એટલો વિરોધ દર્શાવું આ ક્લાસીસ માટે, પરંતુ માણસના મનને પારખીને એવું પ્રતીત થાય છે કે ગરબા ક્લાસીસ આવનારા ટૂંકા ગાળામાં કાંઈ લુપ્ત થવાના તો છે નહિ; તેથી હું આવતા વર્ષે માર્ચ મહિનામાં જ મારા ગરબાના કલાસીસ ખોલવાના વિચારમાં છું. “નૈસર્ગીક ગરબા ક્લાસીસ”. (જોડીમાં આવનારા લોકો માટે બત્રીસ ટકા ડિસ્કાઉન્ટ*)
ત્રીજું એ, કે આ અભલો અને ભાભી વાતોમાં મશગુલ થઇ રહ્યા છે, ત્યાં ગરબા ક્લાસીસમાં દોઢિયાં કરનારી એક સુંદર નારીની નજર મને ટુકુર ટુકુર તાકી રહી છે. તો આખરે હું મારો નિર્ણય ફેરવવાનું વિચારી રહ્યો છું. આખરે દોઢિયાં તો શીખવા જ પડે ને બાપુ.”ચાલ અભલા આપડે પણ જોડાઈ જઇયે ક્લાસીસમાં.” મેં અભલાને ટકોર કરી કારણકે મને થોડો લાભ થતો જાણતો હતો હવે. ત્યાં સુધીમાં એ સન્નારીની નજર મારા પરથી ખસવાનું નામ ન લેતા મેં અભલાને ઉતાવળ દર્શાવવા હકાલ કરી. તો આવજો બધાય આતા વર્ષે માર્ચ મહિનામાં, “નૈસર્ગીક ગરબા ક્લાસીસ”.

 

***જોડીમાં આવનારા લોકો માટે બત્રીસ ટકા ડિસ્કાઉન્ટ*** – માર્ચ મહિનામાં જોડાનારા યુવા-યુવતીની જોડી માટે જ ૩૨% ડિસ્કાઉન્ટ છે. એપ્રિલમાં જોડાશો તો ૧૪% ડિસ્કાઉન્ટ અને એ પછી નિયમિત ફી જ લાગુ પડશે તેની નોંધ લેવી. (જેટલાં પણ મિત્રો છે એમણે મિત્રતાના રામબાણને પોતાના ખિસ્સામાં જ રાખવું અને મિત્રતાનું અલગથી ડિસ્કાઉન્ટ ન માગવા વિનંતી.)

Comments

Popular posts from this blog

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?*. *જય વસાવડા* #JV