મારી મીઠી ગુજરાતી પ્રત્યેનો મારો પ્રેમ

 

મારી મીઠી ગુજરાતી પ્રત્યેનો મારો પ્રેમ

સમર ઓફ 2016 ના બે મહિના, મદ્રાસ જઈને રહેવાના કારણે થયેલાં અપરંપરાગત અનુભવોથી મારામાં છુપી રહેલો ગુજરાતી પ્રત્યેનો પ્રેમ હવે બહાર આવે છે. આ અનુભવોમાંથી પ્રેરણા લઈને મારી મીઠી ગુજરાતીમાં લખવાનું અને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવાનું આ પહેલું પગથિયું.

વાત છે આ ગયાં ઉનાળાની જ ! બન્યું કંઈક એવું કે જુલાઈ 2016 થી મારાં ઈજનેરીનાં ભણતરનું છેલ્લું વર્ષ ચાલું થવાનું હતું. તો એ પહેલાનાં ઉનાળાનાં વેકેશનમાં કોઈક સારી  જગ્યાએ ટ્રેઇનિંગ કરવી એ આવશ્યક હતું. ને એમાં ભાગ્ય જુઓ મારું! આઇ.આઇ.ટી. મદ્રાસના સમર રિસર્ચના પ્રોગામમાં મેં અરજી કરી હતી એમાં મારું ચયન થયું. આવી નામચીન કોલેજમાં રીસર્ચ વર્ક કરવાં મળે એટલે ઘણી સારી તક. આ સમાચાર મળ્યાની સાથે જ ખુશીનાં તો પાર નહી. પરીક્ષાઓ સમાપ્ત થઈ ને હું ચેન્નાઈ માટે રવાના થયો. ત્યાં પૂરાં બે મહિના કાઢવાનાં હતાં. આટલો સમય ઘરથી ક્યારેય અળગો ના રહ્યો હોવાથી આ મન ચંચળતા અને ઉત્સાહની સાથે સાથે થોડી અસમંજસ પણ લઈને બેઠું હતું. આપણે રહ્યા થોડા વધુ પડતાં ઈમોશનલ માણસ ! મન ને વિચારે ચડતા બહુ વાર ના લાગે. છેલ્લે થોડા ઘણા સંકોચ વચાળે આવી તક ના જવા દેવાય એમ મનને સમજાવીને હું ઉપડ્યો.

આઈ.આઈ.ટી. મદ્રાસ પહોંચ્યા બાદ પહેલા જ દિવસે હાલત કફોડી બની ગઈ. એમ જુઓ તો બહુ ઊંચા લેવલના ફેંકા મારવામાં બહુ આગળ રહ્યો છું. કે મારે તો ફિલ્મોમાં બતાવે એવી રીતે આખું જીવન દુનિયાને એકલા ફરીને જોવું છે ને એ જ રીતે જીવવું છે. ફિલ્મોની વાત બહુ અલગ છે સાહેબ ! આમાંથી કશુંયે મારા મન પાર એ સમયે ના હતું જેનો રોજ વિચાર કરતો. નિર્દોષ મન એક જ વિચાર કરે કે આ 64 દિવસો ક્યારે પતશે. હજી તો ત્યાં પહોંચ્યો એને માંડ 3-4 કલાકો થયા હશે ને મગજમાં પાછા જવા સિવાય એક પણ વિચાર ના આવે. ” હવે મોટા થયા, આમ ના ચાલે જીદ્દ ” એમ ખુદ ને સમજાવવું અઘરું થઇ જતું. “તારા નવસારી ને સુરત માં જેવું તને ગમે છે રહેવું એવું અહીં પણ ફાવી જશે 10-15 દિવસોમાં. એમ અધીરા થઈને વિચારો ના કરાય” , બધા લોકો આવું કહીને સાંત્વના આપતા. આ તો થઇ સેટલ થવાની વાત. ધીમે ધીમે એ તો કામ મળ્યું રિસર્ચનું એમ થોડું મન એમાં લાગતા હંમેશા તો એવો મૂડ ના રહેતો.

વાત કરું મદ્રાસ અને મદ્રાસીઓની તો એમાં એવું છે કે 99% જેટલા લોકોને હિન્દી સુધ્ધાં બોલતા નથી આવડતું,સમજતા પણ નઈ જ. ખાલી તામિલ. ઘણા અંગ્રેજી બોલે એ થોડી રાહત રહેતી. પરંતુ આપણે ક્યાંક ગયા હોઈએ અને આપણી ભાષા બોલવાવાળા લોકો મળે ને જે ઉમંગ રેલાઈ આવે, એવું ક્યારેક જ થતું જે સ્વાભાવિક હતું એ પ્રદેશમાં. મનમાં થતું આ મદ્રાસીઓએ તો ભારે કરી હવે. અમુક તો એવા કે જેને “નો તામિલ” એવા સ્પષ્ટ ઈશારા કરીયે તો પણ છેલ્લે તામિલમાં જ ચાલુ કરે. આવું તો થતું રહેતું રોજેરોજ. મારા નિત્યક્રમ પ્રમાણે ઉઠીને નાહીધોઈને નાસ્તો કરીને સીધા લાયબ્રેરી જતો રહેતો.એ બે મહિના ત્યાં રહ્યો એમાં એ એક જ એવી જગ્યા જ્યાં શાંતિ મળતી મનને. અર્થાત ઘરે આવાના જિદ્દી વિચારો ઓછા આવતા. જમવા જવાનું ને પાછા લાયબ્રેરી. વધુ પડતો સમય મુંજાયેલી હાલત રહેતી. છેલ્લે તો ‘વધુ પડતું’ ઇમોશનલ મન રહ્યું તે ! ક્યારે આપણા ગુજરાત પહોંચીશ અને ક્યારે બધું ગુજરાતીમય બની જાય પાછું એવા વિચારો કરીને દિલને ઠંડક મળી રહેતી. આ દરમિયાન એકાદ મહિનો પત્યો. બાકીના દિવસો તો હવે કાઉન્ટડાઉન કરવામાં જ પસાર થશે એમ માનીને મનોમન ખુશી  રહેવા લાગી. એકાદ દિવસ ગીતો સાંભળવામાં આપણું મધુર ગુજરાતી ગીત નજરે ચડતા એ વગાડ્યું. તમે પરિચિત હશો જ એ ગીતથી. કિર્તીદાન ગઢવીએ ગાયેલું એ ગીત યુટ્યુબ પર ઘણું ફેમસ છે. એ ગીતનું નામ લાડકી. ગીત સાંભળતા જ રૂંવાટા ઊભા થઇ જાય એવી લાગણી પ્રસરી જવી એ અસામાન્ય હતું મારા માટે. બસ એ ક્ષણ હતી કે આ ઇમોશનલ મન પાછું વિચારોએ ચડી ગયું. “અલ્યા ! તારા ગુજરાતીથી વધુ મીઠી ભાષા કોઈ છે ખરી?”. પછી તો આવેગો પણ એવા તે આવ્યા કે જાણે આ મીઠી ભાષા માટેનો પ્રેમ છલકાતો હતો.

જે કરવાથી શાંતિ મળતી એમાં ગુજરાતી ગીતો વગાડવા,ગુજરાતી સાહિત્યને સર્ચ કરવું આ બધી એકટીવીટીનો સમાવેશ થવા લાગ્યો.પણ આ ઇમોશનલ મનને વિચારે ના જવા દેવું શક્ય નઈ હતું. ખળભળતો વિચાર આવી ગયો. “કે આ બધા જે અંગ્રેજી ગીતો સાંભળ્યા,અંગ્રેજી નોવેલ્સ વાંચી,બધી રીતે તારું અંગ્રેજી પાક્કું કરવામાં લાગી રહ્યો ઉપર આવવા માટે,એ બધું શા માટે? નો ડાઉટ ! એ વસ્તુ ખોટી નથી. અંગ્રેજી લેખકો ખુબ સારી પુસ્તકો લખે જ છે, અંગ્રેજી ગાયકોના ગીતો પણ મધુર જ હોય છે અને ક્યારેક આપણા આ બોલીવુડીયા અર્થહીન આઈટમ ગીતોથી પણ સારા. અંગ્રેજી જેટલું સારું ઘડાય એટલો ફાયદો આ દુનિયામાં થશે જ એ ચોક્કસ છે. પરંતુ તારી આ જે સાહિત્યના સોનાથી છલકાતી ગુજરાતી છે એને તે ક્યારેય મહત્વ કેમ ના આપ્યું?  જીવનને માણવા માટેનો અર્થ શોધવા વેસ્ટર્ન ક્લચરના સહારે કેમ દોડવું છે ? જયારે તારી ખુદની માતૃભાષા તને આટલું બધું શીખવી જાય છે ! ” આવા તો કેટલાંય વિચારો કર્યા હશે મેં ત્યાં રહીને !

મને મારી મીઠી એવી ગુજરાતી માટે જે સમ્માન છે અને પ્રેમ છે તે બધું આ આઈ.આઈ.ટી. મદ્રાસ જઈને રહેલા 64 દિવસોના પ્રતાપે છે. એવું નથી કે મને સમ્માન નઈ હતું પહેલા. આ બધું પહેલાથી હતું જ અંદર,બસ આવા એક અનુભવની વાર હતી કે જેના કારણે મારો આપણી ગુજરાતી માટેનો પ્રેમ અનહદપણે વધી જતા જોઉં છું. હાલ તો હું આપણા લોકપ્રિય લેખકો જેમ કે શ્રી જય વસાવડા અને અન્ય ઘણા લોકપ્રિય લેખકો ના ઓનલાઈન બ્લોગ્સને નિયમિતપણે જોતો રહું છું અને કેવી રીતે સારા લેખ લખી શકાય એ કળા વિકસાવી રહ્યો છું. બીજી બધી જગ્યાઓએ ઘણા માથા પછાડ્યા પછી હવે જઈને આવા અનુભવ પછી કંઈ ગમતું કરું એવું આ ઓનલાઈન બ્લોગ લખવાનું ચાલુ કરું છું.  વિચારો આવ્યા છે કે મારે પણ મારી માતૃભાષામાં યોગદાન કરવું જ કરવું છે. તેમાં આ તે  મારો પહેલોવહેલો બ્લોગ. એક્સપર્ટના લખાણ જેવું હશે એવું તો વિચારતો જ નથી અને રહ્યા પાછા આપણે ઇજનેરીના ભણતરમાં જેમાં રોજેરોજ અંગ્રેજીમાં જ લડવાનું ! એવું કહેવાય કે  “શ્રેષ્ઠ લેખકો ક્યારેક શ્રેષ્ઠ વાંચકો હતાં.” શ્રેષ્ઠ લેખક બનવું એવો ઉદ્દેશ્ય લઈને લખવાનું ચાલુ કરું છું એવું તો સાવ નથી. પણ મારી રીતે શ્રેષ્ઠ લખાણ લખી શકું અને વાચકમિત્રોને પસંદ પડે એવા કથાબીજ લખી શકું એવો એક વિચાર આ ઇમોશનલ મનમાં આવ્યો છે. તે આ મારો પહેલો બ્લોગ મારી ગુજરાતીમાં !

Comments

Popular posts from this blog

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

રણબીર-આલિયા નાં લગ્નમાં કિન્નરોએ અધધધધ રૂપિયાની કરી માંગણી, કપુર પરિવાર માંગણી સ્વીકારીને આપી આંખો ફાટી જાય મોટી એટલી રકમ