*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?*. *જય વસાવડા* #JV
*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?*
ગુજરાતી અને અંગેજી માધ્યમની ચર્ચા જૂની હોવા છતાં જૂની થતી નથી. અનેક વાર મને આ બાબતે પૂછાયું છે, બોલ્યો ય છું. ઘણા વિદ્વાનો બોલ્યા છે. લેખોમાં તો ઘણી વાર આ મેં વિષય લીધો છે. હવે એ બાબતની ખુલ્લા દિલે કરેલી વાતો વિડીયોના સ્વરૂપે.
માત્ર મંચ ગજાવતી કે તાળીઓ પડાવતી વાતો કરવાને બદલે મુંબઈમાં ગુજરાતી વિચારમંચ સંસ્થાના મિત્રો નક્કર કામગીરી આ વર્ષોથી આ ક્ષેત્રે કરે છે. મહિનાઓ અગાઉ એમના તરફથી અશ્વિનભાઈનો કોલ આવેલો. અમારે ફોન પર જ ઘણી નિખાલસ વાતો થઈ. એ રીતે નંબર આપીને સરસ મિત્રો સાથે જોડવા માટે સુહ્યદ હર્ષલભાઈ પુષ્કર્ણાનો આભાર.
પણ કોરોનાને લીધે અમારે જે કાર્યક્રમ કરવાનો હતો એ રહી જ ગયો. અંતે હવે મિત્ર બની ગયેલા રાજેશભાઇ ચાવડાએ સરસ ગુણવત્તાનો વિડીયો ઉતારવાની નેમથી સામે ચાલીને રાજકોટ આવવાનું નક્કી કર્યું. પ્રિન્સિપાલ મિત્ર ભરતસિંહ પરમારની ઓફિસમાં શૂટિંગની વ્યવસ્થા થઈ ને અનાયાસ મિત્ર જતીનભાઈ મળ્યા, એ મીઠી મુલાકાત બાબતે હું લખી ચૂક્યો છું.
ખૂબ સરસ અમારી એકધારી ચર્ચા ચાલી. વિડીયોગ્રાફી કરતા મિત્રો ય રાજી થતા હતા એ મેં જોયું. રાજેશભાઇ કહે, તમે છૂટથી બોલો. ભલે અમુક સવાલો રહી જાય તો બીજો ભાગ કરીશું. જોતજોતામાં ખાસ્સો સમય પસાર થઈ ગયો એટલી મજા આવી. આ ચર્ચા વ્યવસ્થિત કરીને હવે પ્લેનેટજેવી યુટ્યુબના માધ્યમે પ્રસ્તુત છે.
અતિશય અગત્યનો દુનિયાના દરેક ગુજરાતી ઘરમાં રસ લઈને સાંભળવા ને સંભળાવવા જેવો આ વીડિયો બન્યો છે. 'ડોન્ટ વરી, બી હેપી'. અહીં મેં ગુજરાતીની લીટી મોટી કરવા અંગ્રેજી ભાષાને વખોડવાની કે અતિશય વ્યાકરણશુદ્ધ ગુજરાતીની વકીલાત જેવી તદ્દન કોરી આદર્શવાદી ને સાવ ખોટ્ટી મિથ્યાભિમાની વાતો નથી કરી.
આમાં વાસ્તવવાદી વાતો વૈજ્ઞાનિક અભિગમ સાથે થઈ છે. નવી પેઢીના ભવિષ્ય અને આગામી વિશ્વને ધ્યાનમાં રાખીને પ્રામાણિક વાતો થઈ છે. માત્ર ઇંગ્લિશ મીડિયમને વિલન ઠેરવી વાલીઓને અપરાધભાવ કરવાના મનસૂબા અમારા નહોતા. વાત ભાષાપ્રીતિની છે. વેપારથી આગળની ઓળખની છે. સંકુચિતતા ને લઘુતાગ્રંથિ છોડી વૈશ્વિક અભિગમ કેળવીને આવતીકાલમાં ટકવા નવું શીખવાની મસ્તીની છે. શાળાપસંદગીથી બદલાતા પ્રવાહોની તમામ અવનવી વાતો છે. માત્ર લાગણીવશ ઉપદેશ નથી. વ્યવહારૂ ચાવીઓ છે.
મુખ્યત્વે અમારું 'ફોક્સ' ( હા, સહજભાવે લખાતા બોલાતા અંગ્રેજી શબ્દોને નવી ગુજરાતીમાં જ ગણવા એ મુદ્દે અમે સહમત જ હતા 😊 ) બાળકોનું પ્રાથમિક શિક્ષણ હતું. ઘણા મમ્મી-પપ્પાને આ સમસ્યા મૂંઝવે છે. તો અહીં એનો સવિસ્તર જવાબ છે. ખરેખર તો અત્યારે શાળા કોલેજો બન્ધ છે, ત્યારે જેમના સંતાનોને ગુજરાતી લખતા વાંચતા નથી આવડતું -એ શીખવાડી દેવાનું બીડું એમના મા-બાપે ઝડપી લેવું જોઈએ.
હવે બધું વાંચવાનું જ હોત તો લેખ ન લખ્યો હોત ! માટે ઝટ જુઓ આ વીડિયો. વધુ એક બેહદ ઉપયોગી નવો જ વિડીયો planetJV પર. ને ગમે તો આ લિંક શક્ય એટલા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનું ભૂલશો નહિ. આ રહી આ ખૂબ મહત્વની બાબતે થયેલી રસપ્રદ વાતોની લિંક. સમજો અને સંભળાવો.. 🙏
https://youtu.be/8p5y2Lhv5no
~ *જય વસાવડા* #JV
ગુજરાતના ક્યા CM એ ગુજરાતી ભાષા સંરક્ષણ, સમાન શિક્ષણ અને માનક-ગુજરાતી બોર્ડ માટે આ પ્રયત્ન કર્યો ?
ReplyDeleteકોઈપણ ગુજરાતની પોલિટિકલ પાર્ટી કે ગુજરાતી મીડિયા આ વિચારે છે ??
ગુજરાત ના દરેક પ્રવાસી સ્થળોએ અને જાહેર સાઈન બોર્ડઝ પર ગુજરાતી ભાષા ને સરકારે ક્યુ સ્થાન આપ્યું છે ??
જે હિન્દી બૉલીવુડ, સાધુ સંતો, રાજનેતાઓ અને હિન્દી મીડિયા દ્વારા ગુજરાતીઓ સરળતાથી બોલતા શીખી શકે તે હિન્દીને જો પહેલા ધોરણથી બાળકોને જટિલ લિપિમાં શીખવવામાં આવશે તો સરળ લિપિ -માતૃભાષા ગુજરાતી નું શું થશે ? પહેલા હિન્દી સાતમા ધોરણથી ,પછી પાંચ અને ત્રણ અને હવે પહેલા ધોરણથી શીખવવામાં આવેછે. ઘણા યુરોપીઅન દેશોની વસ્તી ગુજરાત જેટલીજ છે તેમ છતાં તેઓ ભાષા સંરક્ષણ માટે ઘણાજ સાવચેત છે.દક્ષિણ ભારતીઓ પણ પોતાની ભાષા સંરક્ષણ માટે સાવચેત છે. ગુજરાતના દરેક ક્ષેત્રમાં કામ કરતા માઈગ્રન્ટ વર્કર્સને ગુજરાતી કોણ શીખવશે? ગુજરાતના હિન્દી એક્ટરો
પણ ગુજરાતીમાં સારી સિરિયલ્સ કે ફિલ્મો બનાવી સકતા નથી. અને કવિઓ પણ છંદ રૂપી કે ગાઈ શકાય તેવાં કાવ્યો રચી શકતા નથી. હિન્દી જનો પહેલા માતૃભાષા શીખે છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી શીખે છે પણ ગુજરાત ના હિન્દી પ્રચારકો ગુજરાતમાં અંગ્રેજી ને બદલે જટિલ લિપિમાં હિન્દી શીખવવાનો પ્રયત્ન કરેછે જ્યારે બધીજ જોબ્ઝ ની જાહેરાત અને સરકારી વેસાઇટ માહિતી અંગ્રેજી માં હોય છે. તો પછી બાળકો ને શું ભણવું જોઈએ ? ગુજરાતના રાજનેતાઓ પણ NCERT માં હિન્દી અને ઉર્દુ સાથે સાથે એક વિષય તરીકે ગુજરાતી ઉમેરી શકતા નથી. https://ncert.nic.in/textbook.php?aeen1=0-10 આ ઈન્ટરનેટ યુગમાં સર્વે ભારતીય ભાષાઓ સ્વલિપિમાં ,ભાષા લિપિ રૂપાંતર દ્વારા શીખી શકાય છે. અરે ઉર્દુ લિપિમાં તો વર્ષોથી હિન્દી લખાય છે. હવે તો એન્જિનિયરિંગ અંગ્રેજી શિક્ષણ ગૂગલ અનુવાદ દ્વારા હિન્દીની જેમ ગુજરાતીમાં આપી શકાય છે. ગુજરાતી ભાષાને ફક્ત હિન્દીની જેમ ટેકનિકલી અનુવાદ યોગ્ય બનાવવાની જરૂર છે.