ગાંધી કદી મરે નહિ



ભારતના બે મહાપુરુષો એવા છે જેને સારી દુનિયા ઓળખે છે. અભ્યાસુઓ ઓળખે તે વાત જુદી છે પણ દુનિયાભરમાં સામાન્ય અભણ પ્રજા પણ ઓળખતી હોય એવા મૂળ ભારતના બે મહાપુરુષોમાં એક તો ગૌતમ બુદ્ધ અને બીજા છે ગાંધીજી. ગૌતમ બુદ્ધ માટે વિડમ્બના એ છે કે વિદેશોમાં ઘણા લોકો એમને ચાઇનીઝ સમજે છે, મને એનો જાત અનુભવ છે જ્યારે ગાંધીજી સાથે એ પ્રશ્ન ઊભો થતો નથી.

વિદેશોમાં આપણા કોઈ આવા એવરેસ્ટ કદના નેતાની પ્રતીમાઓ હોય તો તે ગાંધીજી છે. લગભગ ગાંધીજીની દસેક પ્રતીમાઓ વિદેશોમાં સ્થિત છે.

૧) લેક શ્રીન કેલિફોર્નિયામાં ગાંધી વર્લ્ડપીસ મેમોરીયલ છે ત્યાં એમની પ્રતિમા છે. ૨) ટેવીસ્ટોક સ્ક્વેર લંડનમાં એમની એક પ્રતિમા છે જેનું અનાવરણ ૧૯૬૮મા હેરોલ્ડ વિલ્સન નામના બ્રિટીશ વડાપ્રધાને કરેલું. ૩) કોપનહેગન ડેન્માર્કમાં એક પ્રતિમા છે જે ૧૯૮૪મા ઇન્દિરાજીએ ભેટ આપેલી. ૪) ચર્ચ સ્ટ્રીટ, પીટ્સમારીટ્ઝબર્ગ સાઉથ આફ્રિકામાં ગાંધીજીની એક પ્રતિમા છે જેનું અનાવરણ આર્કબીશપ ડેસમોન્ડે કરેલું. ૫) પ્લાઝા સિસિલિયા બુએનોસએરીસ, આર્જેન્ટીનામાં પણ એક પ્રતિમા છે. ૬) ગ્લેબે પાર્ક કેનબરા ઓસ્ટ્રેલીયામાં એમની એક પ્રતિમા બ્રોન્ઝની છે. ત્યાં લખેલું છે નો પોલિટિક્સ વિધાઉટ પ્રિન્સિપલ, નો કોમર્સ વિધાઉટ મોરાલિટી, નો સાયન્સ વિધાઉટ હ્યુમેનીટી. ૭) મેમોરીયલ ગાર્ડન જીંગા યુગાન્ડામાં પણ એક ગાંધી બેઠા છે, ૧૯૪૮મા ગાંધીજીના ભસ્મીભૂત દેહની ભભૂત નાઇલ નદીમાં પધરાવવામાં આવેલી. ૮) ગાર્ડન of પીસ વિયેના ઓસ્ટ્રિયામાં પણ ગાંધી બિરાજમાન છે. ૯) એરિયાના પાર્ક જીનીવા સ્વીત્ઝરલૅન્ડમાં પણ ગાંધી વિરાજમાન છે. ૧૦) પાર્લામેન્ટ સ્ક્વેર લંડનમાં ૧૪ માર્ચ ૨૦૧૫મા ગાંધીને વિરાજમાન કરવામાં આવેલા ત્યારે વડાપ્રધાન ડેવિડ કેમરોન સાથે હાલના નાણાપ્રધાન અરુણ જેટલી, ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી અને બોલપટના મહાનાયક લોક લાડીલા અમિતાભ બચ્ચન પણ હાજર હતા.

ગાંધી બીજા દેશોના અનેક મહાપુરુષોના નેતાઓના આદર્શ પ્રીતિપાત્ર રહેલાં છે. ગાંધીજીને માર્ગે એમણે શોષિતો અને પીડિતોના અધિકારો માટે લડતો પણ ચલાવેલી છે. બરાક ઓબામા તો ગાંધીનાં જબરા ફેન હતા. બર્માના નોબેલ પ્રાઈઝ વિજેતા શાન સુ કી ગાંધીના ફોલોઅર હતા. નેલ્સન મંડેલા વિષે બધા જાણે છે. દલાઈ લામા પણ ગાંધીના બહુ મોટા ચાહક છે. જોન લેનોન નામનો બ્રિટીશ સંગીતકાર જેણે વિયેટનામ વોર સમાપ્ત કરવા બહુ મોટી ચળવળ ચલાવેલી તે ગાંધીના ફોલોઅર હતા. માર્ટીન લ્યુથર કિંગ અમેરિકાના જેમણે અશ્વેતોના અધિકાર માટે ગાંધી માર્ગે બહુ મોટી લડત ચલાવેલી. આઇન્સ્ટાઇન, અલ ગોર, એપલ ફેમ સ્ટીવ જોબ, એટનબરો જેવા અનેક દેશ વિદેશના મહાનુભવો ગાંધીજીને આદર્શ માનતા હતા.

અમેરીકામા મને ઇન્ડોનેશિયન અને મેક્સિકન લોકો ગાંધીજી વિષે વાતો કરતા મળેલા છે. અમેરિકન ટીવી પર ડીબેટ ચાલતી હોય ત્યારે ગાંધીના ક્વોટ બોલતા લોકોને સાંભળ્યા છે. હોલીવુડણી ફિલ્મોમાં પણ ગાંધીના ક્વોટ વપરાયેલા સાંભળી છાતી ૪૬ ઈંચની થોડીવાર થઈ જાય.

આઝાદી માટે કહેવાતી બે ચળવળો થઈ એક ૧૮૫૭મા વિપ્લવ થયો જેના નેતા નાનાસાહેબ પેશ્વા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે જેવા બહાદુરો હતા બીજી ૧૯૪૨મા થઈ. ૧૮૫૭ના બળવો એ જેમના રાજ ખાલસા થયેલા તે અંગ્રેજોથી નારાજ રાજામહારાજાઓની લડાઈ હતી. એમાં પ્રજા સક્રિય નહોતી. પ્રજાને રાજા રાજ કરે, મોઘલ કરે કે અંગ્રેજ કરે કોઈ ફરક પડતો નહોતો. જ્યારે ૧૯૪૨ કરતા ય ઘણા સમય પહેલા ચાલું થયેલી આઝાદીની ચળવળ પ્રજાની હતી એમાં રાજાઓ સક્રિય નહોતા. કોઈ કોઈ ગોંડલનાં રાજવી ભગવતસિંહ જેવા ખાનગીમાં મદદ કરતા તે જુદી વાત છે. આ આખી ય ચળવળને વેલ પ્લાન્ડ બનાવવાનું શ્રેય તો ગાંધીજીને ચોક્કસ આપવું પડે ભલે પાછળથી જોડાયા.

આઝાદીની ચળવળ તો ગાંધી આફ્રિકાથી આવે તે પહેલા ઘણા સમયથી શરુ થઈ ચુકી હતી. લાલ, બાલ, પાલ, લોકમાન્ય તિલક, જિન્નાહ જેવા અસંખ્ય નેતાઓ એમાં સક્રિય હતા. સરદાર નહેરુ જેવી નવી પેઢી એમાં ઉમેરાતી જતી હતી. એલ્ફાનો એક અલગ ઈગો હોય છે. આખરે તો બધા મેમલ એનિમલ જ છે એટલે ગાંધી આ બધાને જોડી રાખતું જબરું ફેવિકોલ હતા..

ગાંધી પોતે કહેતા કે ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ નથી, ગાંધી વિચાર હું જાણતો નથી. કોઈ એમ ના કહે કે હું ગાંધીનો અનુયાયી છું.

હું કહું છું એવરીજ ભારતીય હિંસક નથી જ, એ કોઈ પણ કોમનો હોય. એને તોફાનોમાં જરાય રસ નથી. એને મારકાપમાં રસ નથી. એનામાં હિંસા પેદા કરવી પડે છે. એનામાં ભય ઊભો કરવો પડે છે કે ઉભા થાવ નહીતો આ લોકો મારી નાખશે. એના બ્રેન વોશ કરવા પડે છે, એના દિલમાં ભય અને ડરના વાવેતર કરવા પડે છે. બાકી તો વિક્રમ અને વસીમ રોજ જોડે બેસીને જ ચા પીતા હોય છે. અકરમ અને અરવિંદ એક જ બાઈક પર કૉલેજ જતાં હોય છે. ઓસ્માન અને કીર્તીદાન એક જ મંચ પર સાથે ગાતા હોય છે.

ગાંધી પરિવર્તનનો માણસ હતો. હશે એમના સેક્સ અને બ્રહ્મચર્ય વિશેના વિચારો અવૈજ્ઞાનિક હતા. ઘણી બધી કહેવાતી ભૂલો પણ કરી હશે એ જ તો સાબિતી છે કે તે ભગવાન નહિ માનવ હતા. આજે ગાંધી હોત તો એમના ઘણાબધા વિચારો અને માન્યતાઓમાં આમૂલ પરિવર્તન આવ્યું હોત તે નક્કી વાત છે.

ખેર ગાંધી વિષે લોકો એટલું બધું જાણે છે કે ખૂદ ગાંધી એટલું નહિ જાણતા હોય. પણ એટલું કહીશ કે ગમે તેટલા ગોડસે પેદા કરો ગાંધી મરનેવાલા નહિ, કારણ ગાંધી તો લાખો લોકોના ર્હદયમાં સલામત છે, કારણ તમે સતત હિંસક બની જીવી ના શકો, તમે સતત ક્રોધ અને નફરત ગ્રસ્ત રહી ના શકો. ……… :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિન્ગટન..

Comments

Popular posts from this blog

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?*. *જય વસાવડા* #JV