દુપટ્ટાથી બાંધેલી હાલતમાં યુવક અને યુવતીના મૃતદેહો મળ્યા, પ્રેમી-પંખીડા હોવાની આશંકા
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગડીત ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કમરે દુપટ્ટા વડે બંધાયેલા યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા છે. વડોદરા ફાયર લાશ્કરોએ એક કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન સ્થળ પર દોડી ગયેલી હાલોલ રૂરલ પોલીસે મૃતદેહોનો કબજો લઇને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, આ મૃતદેહો પહેલાં વાઘોડિયા તાલુકાના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં દેખાયા હતા. પરંતુ, ફાયર બ્રિગેડની ટીમ રામેશરા પહોંચે તે પહેલાં બંને મૃતદેહો પાણીના પ્રવાહમાં હાલોલ પાસે ગડીત ગામ પાસે પહોંચી ગયા હતા. વાઘોડિયા તાલુકાના રામેશરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક અને યુવતીનો કમરથી દુપટ્ટા સાથે બાંધેલી હાલતમાં મૃતદેહો તણાતા નજરે ચડતાં ચકચાર મચી ગઇ છે.
આ બનાવના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટના અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને હાલોલ ગામ પાસે ગડીત ગામ પાસેથી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ અંગે ફાયર ઓફિસર જશુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, યુવક યુવતીની લાશ રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણીમાં તણાઈ રહી હોવાનો મેસેજ મળતાં અમે સ્થળ પર પહોંચી ગયા હતા.
અને બંને મૃતદેહોને હાલોલ નજીક ગડીત ગામ પાસેથી પાણીમાંથી બહાર કાઢ્યા છે. દુપટ્ટા વડે બંને કમરથી એકબીજા સાથે બંધાયેલા હતા. તેઓની ઉમર આશરે 35થી 40 વર્ષની છે. તેઓએ ત્રણ ચાર દિવસ પહેલાં કેનાલમાં પડતું મૂક્યું હોવાનું લાગી રહ્યું છે. તેમની પાસેથી કોઇ આધાર પુરાવો મળી આવ્યો નથી. જેથી ઓળખ શક્ય થઈ નથી.
આ બનાવ અંગે હદ વાઘોડિયા પોલીસ મથકનો સ્ટાફ પણ દોડી ગયો હતો. પરંતુ, બંનેના મૃતદેહો પંચમહાલના હાલોલ રૂરલ પોલીસ હદમાંથી મળતા હાલોલ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી હતી. હાલોલ રૂરલ પોલીસે હાલ અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી તપાસ શરૂ કરી છે. જોકે, જ્યાં સુધી બંનેની ઓળખ ન થાય ત્યાં સુધી પોલીસ માટે તપાસ કરવી મુશ્કેલ છે. ઓળખ થયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવશે.
Comments
Post a Comment